નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ઉચ્છલ ખાતે નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

તાપી કિંગ: વ્યારા પ્રતિનિધિ દ્રારા તા. ૦૯ : ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. અંદાજિત રૂ. ૦૭ કરોડના ખર્ચે નિર્મિત આ આધુનિક ન્યાય મંદિર સ્થાનિક નાગરિકોને ન્યાયલય સંબંધિત સેવાઓ વધુ સુવિધા, સુલભતા અને પારદર્શિતાથી ઉપલબ્ધ કરાવશે. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે – “આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં છીએ જે ગુજરાત–મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે. આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌપ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે. તેથી ઉચ્છલનું આ નવું કોર્ટ બિલ્ડીંગ ‘ગુજરાતમાં પ્રવેશતાં ન્યાયના પ્રથમ દ્વાર’ તરીકે ઓળખાશે.”તેમણે ઉમેર્યું કે, “આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીંના રેલવે પ્લેટફોર્મ પર એક બાજુ ‘ગુજરાત’ અને બીજી બાજુ ‘મહારાષ્ટ્ર’ લખેલું છે, એટલે કે એક જ પ્લેટફોર્મ પરથી બે રાજ્યો દેખાય છે. આવા સરહદી વિસ્તારનું સંચાલન હંમેશા પડકારરૂપ રહે છે, છતાં તાપી જિલ્લાના ન્યાયતંત્રે તેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.”


નાગરિક કેન્દ્રિત સુવિધાઓ સાથેનું આધુનિક કોર્ટ ભવન
નવા સિવિલ કોર્ટ ભવન વિશે વિગત આપતાં શ્રી સંઘવીએ જણાવ્યું કે, “આ ભવન માત્ર વકીલો કે ગુનેગારો માટે નથી, પરંતુ સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ માટે અનુકૂળ સુવિધાઓ ધરાવે છે. સાક્ષી તરીકે આખો દિવસ કોર્ટમાં રહેવા પડતાં લોકોને આરામદાયક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.” તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયતંત્ર મળીને નાગરિકોને વધુ સગવડતા, પારદર્શિતા અને વિશ્વાસ સાથેની ન્યાયસેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

ન્યાયની ઝડપ, પારદર્શિતા અને ટેકનોલોજી – સમયની માંગ
શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે “ન્યાયતંત્ર જેટલું ઝડપી ન્યાય આપે છે એટલી જ જવાબદારી પોલીસ અને સરકારી તંત્રની છે. ગુનેગારો સામે મજબૂત પુરાવા અને સાક્ષી એકત્ર કરવી મહત્વપૂર્ણ છે.” તેમણે સરકારી વકીલોને દરેક કેસમાં પીડિતના દ્રષ્ટિકોણથી ન્યાય માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી. તેમણે વધુમાં જણાવ્યું કે, “દરેક નાગરિકને ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય મળવો એ બંધારણીય અધિકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ટ્રાન્સપેરન્સી, ઈફિશિયન્સી અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરી રહી છે.” ગુજરાત હાઈકોર્ટે દેશભરમાં આગવી શરૂઆત કરતાં પોતાની કાર્યવાહી યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરીને ન્યાયપ્રણાલીની પારદર્શિતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે જ રીતે વર્ચ્યુઅલ કોર્ટ, ઈ-ફાઈલિંગ અને પેપરલેસ સિસ્ટમ જેવી પહેલો ન્યાયવ્યવસ્થાનો અવિભાજ્ય ભાગ બની રહી છે.


“આ કોર્ટ છેવાડાના નાગરિકો માટે આશાનું કિરણ” – ચીફ જસ્ટિસ ડી.એમ. વ્યાસ
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ડી.એમ. વ્યાસે જણાવ્યું કે રાજ્ય સરકારના સહયોગથી નિર્મિત આ નવું કોર્ટ બિલ્ડીંગ માત્ર માળખું નથી, પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયનું આશાનું કિરણ છે. તેમણે કોર્ટ પરિસરની સ્વચ્છતા અને શિસ્ત જાળવવાની સૌને અપીલ કરી હતી.—તાપી જિલ્લા ન્યાયતંત્રને અભિનંદન
આ પ્રસંગે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી તેજસ દેસાઈએ જણાવ્યું કે, ઉચ્છલની લાંબા સમયથી રહેલી આવશ્યકતા પૂર્ણ થઈ છે અને આ નવું કોર્ટ બિલ્ડીંગ નાગરિકોને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય પૂરો પાડવામાં સહાયરૂપ બનશે.—માનવતાનો અર્પણ કાર્યક્રમ પણ યોજાયો લોકાર્પણ પ્રસંગે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ઉપમુખ્યમંત્રીશ્રીએ ચોરીના બેદ ઉકલી ભોગ બનેલા વ્યારાના પરિવારને સોનાના દાગીના તથા રોકડ રકમ અર્પણ કરી હતી — જે માનવતાની સંવેદનાની અનોખી અભિવ્યક્તિ બની.—
આ લોકાર્પણ પ્રસંગે સ્થાનિક અગ્રણીયો તથા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલિમસિંહ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પોલીસવડા જશુ ભાઈ દેસાઈ,બાર એસોસિએસનના પ્રમુખશ્રી,ન્યાય વિભાગ સિનિયર જજીસો, વકીલો, એસોસિઅન ,વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, બાર એસોસિએશન તથા સ્થાનિક આગેવાનો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા


